આ પુસ્તકમાં શું છે એ તો એની અનુક્રમણિકા જોવાથી જણાઈ આવશે. પ્રાથમિક વાત એ છે કે અહીં પાંચ ગુજરાતી અને પાંચ વિદેશી સિદ્ધિવંતોની કથાઓ છે. લગભગ દરેકની કથા હેરત પમાડે તેવી છે. હા, રીતસર આપણાં ડોળા ફાટી રહે એવી આશ્ચર્યજનક એમની આપદાઓ અને આપદાઓ સામેની સિદ્ધિઓ છે. આ વાંચનાર વિકલાંગોને જીવનનનો ઉત્સાહ અને સિદ્ધિપ્રેરણા મળશે અને જેઓ વિકલાંગ નથી એમને તો એક ધૂન વળગશે કે આ સૌ વિકલાંગો આટલી મર્યાદા છતાં આવી વિરલ સિદ્ધિ મેળવી શક્યા તો હું તો…..!
-/શ્રી યશવંત મહેતા
ઈશ્વરની કૃપાથી કરોડો- અબજો માણસો આ વિશ્વમાં એવા છે જેમને ઈશ્વરે બધાં જ અંગો આપ્યાં છે,પણ દુનિયામાં એવા પણ વિરલાઓ છે જેમને પૂરતાં અંગો મળ્યાં નથી. કોઇ પાસે હાથ નથી, કોઈ પાસે પગ નથી, તોકોઈ પાસે હાથ-પગ બેઉ નથી, કોઈ પાસે આંખો નથી, તો કોઈ પાસે અંગો છે પણ કાર્યરત નથી. ને એવી વ્યક્તિઓ પોતાની આંગિક મર્યાદાઓને ઓળંગી, અનેક વિષમતાઓને પાર કરી, સર્વાંગ સક્ષમ વ્યક્તિ કરતાં પણ કોઈકને કોઈક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે અવાચક થઈ જવાય છે. કરોડો લોકો એવા છે જેમની પાસે ઈશ્વરદત્ત સંપૂર્ણ શરીર છે પણ તેની તેને કોઈ કિંમત નથી. અમૂલ્ય એવું આખું જીવતર વેડફી નાંખે છે, તેની સામે અહીં રજૂ કરી છે તેવી વ્યક્તિઓ વિશે વિચારીએ, તેમના પડકારો, તેમની મર્યાદાઓ- ઊણપો, તેમની મહેનત-પુરુષાર્થ, તેમની હકારાત્મક જીવનદ્રષ્ટિ, તેમની ભાવનામયતા, તેમની સપનાં સાકાર કરવાની ધગશ – ત્યારે માત્ર મસ્તક નહીં, સમગ્ર સંવિત તેમના ચરણોમાં વંદન કરે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં કહયું છે કે, “મન જ બંધન અને મોક્ષનું કારણ છે.” આ વિશ્વના આવા વિકલાંગ માનવીઓના અપ્રતિમ મનોબળનો અહેસાસ કરાવતી પુરુષાર્થગાથા એટલે ‘અડગ મનના ગજબ માનવી’.
-/ડૉ. શ્રદ્ધાબેન ત્રિવેદી
પ્રકાશકઃ
‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૧૬
પ્રાપ્તિ સ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન
મૂલ્યઃ રૂપિયા ૧૨૦ /-