ગામ,પાદર,ઘર,ગલી ઓળંગીને ચાલ્યો જઈશ, હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ…
કવિ શ્રી અનિલ ચાવડાની આ પંક્તિમાં જીવનું શાશ્વત સત્ય સમાયેલું છે. મૃત્યુ માનવજીવનની એક અફર ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ અને મને કમને સ્વીકારીએ પણ છીએ. વિશ્વના ખૂણે ખાંચરે જિંદગી સામે ઝઝૂમીને, જીવન સંઘર્ષ સામે હસીને લડત આપતા રહીને જીવનને ઉજમાળું બનાવી રહેલા અનેક અનોખાં વ્યક્તિત્વને ઉજાગર કરીને સાચા અર્થમાં ચેતનાની વાટ સંકોરીને ચૈતન્યનો આ પુસ્તકે સાક્ષાતર કરાવ્યો છે. જીવન સામે ઝઝૂમતા, અસામાન્ય સંજોગોમાં જિંદગીને ઝીન્દાદિલીથી લડત આપતા અને સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી એકલપંડે અવિરત કર્મયજ્ઞ કરતા રહીને, તન, મન, ધનથી અનેક લોકોને હૂંફ, પ્રેરણા અને હિંમત આપીને જીવન જીવવા માટેની દીવાદાંડી સમ બની રહેલા મુઠ્ઠી ઊંચેરા માનવીઓની વાત અહિંયા માંડી છે. પોતાની વિકલાંગતા કે અપાર મુશ્કેલીઓને અતિક્રમીને સફળતાના સોપાન સર કરીને અન્ય માટે પ્રેરણારૂપ બનતા અનેક દીપને વિશ્વના ખૂણે ખાંચરેથી વીણીને તેને શબ્દદેહ આપીને પ્રકાશમાં લાવવાનું ઉમદા કાર્ય અહિંયા થયું છે. જીવનના ઝંઝાવાતો સામે ઝૂક્યા સિવાય ટાગોરના કોડિયાની જેમ ટમટમીને જીવનનું ગૌરવ કરી રહેલા આવા અનેક નામી, અનામી માનવોને સલામ કર્યા સિવાય કેમ રહી શકાય ? માનવીય ચેતનાનો સાક્ષાત્કાર કરાવતા આ પુસ્તકને કોઇ જ અતિશયોક્તિ સિવાય હું Must Read પુસ્તકની શ્રેણીમાં મૂકીશ. ભાવકોની આંખ અને અંતરને એ અંદર અને બહારથી અચૂક ભીના ભીના કરી રહેશે અને જીવનની એક દિશા ચીંધી જશે, એમાં શંકાને કોઇ સ્થાન નથી.
-/શ્રીમતી નીલમ દોશી
પ્રકાશકઃ
ગૂર્જર સાહિત્ય ભવન
મૂલ્યઃ રૂપિયા ૩૫૦ /-