ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ પાછલા ઘણા વર્ષોથી આપણને પોતાની ઉદ્ેશપૂર્ણ અને મહેનતકશ કલમના માધ્યમથી પ્રેરક પુસ્તકો દ્વારા સમષ્ટિમાં જે શુભ, સત્ય, સુંદર, શ્રેષ્ઠ અને પ્રેરક તથા જીવન ઘડતરમાં ચાલકબળ બને તેવા પુરુષાર્થ ચિત્રોથી આપણને માલામાલ કરતા રહયા છે.
અહીં એક બીજી મહત્વની વાતનો ઉલ્લેખ કરવાનું મને મુનાસીબ લાગે છે. સામાન્ય રીતે આ પ્રકારના પુસ્તકોના લેખકો પોતાની પ્રભાવિત કરે તેવી લેખનશૈલી અને વાચકને આંજી રાખનારી કલમશૈલીના દોષથી બચી શકતા નથી. પરિણામે પ્રસંગ, પાત્ર, પ્રતિભા કે માહિતિ લેખકની કહેવાતી આડમ્બર શૈલીના અંચળામાં અટવાઇ જતા હોય છે. આ સર્જક દંપતીએ આખાય પુસ્તકમાં ક્યાંય પણ પોતાની હાજરી ન વર્તાય કે પોતાની શૈલી ન છવાઇ જાય તેની પુરેપુરી કાળજી લઇને પાત્રો અને પ્રસંગોને મહોરવામાં પુરતી મોકળાશ આપી છે. સર્જક દંપતિના આ સર્જક વિવેકને પણ બિરદાવવા જ રહયા. આજની યુવા પેઢીએ જે જાણવું જોઇએ તેનું – તેના વિષયોનું – ચયન કરવામાં સર્જક દંપતિએ લીધેલી ચીવટ આ બન્નેમાં રહેલા સંવેદનશીલ શિક્ષકત્વની ગવાહી પુરે છે.
ડૉ. જનકભાઇ અને શ્રીમતી ભારતીબહેન પાસેથી આવનારા સમયમાં એમના જ્ઞાનયજ્ઞની સુગંધ, સંવાદ અને સંવેદના વધુ ને વધુ લોકોના જીવનમાં સત્યમ, શિવમ અને સુંદરમનું અજવાળું ફેલાવતું રહે તેવી શુભકામનાઆ સાથે.

