અમદાવાદની શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરતા જનકભાઈનો પરિચય ઘણાને તેમની વાંસળી દ્વારા થયો હશે. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વાંસળી વગાડતા વિદ્યાર્થીનો સંગીત અને કલાઓ પ્રત્યેનો પ્રેમ જાહેર થયા કરતો હતો તે થોડાક જ વર્ષોમાં ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓને પોતાની ભાષામાં ઉતારવા તેમને વ્યાપક ફલક અને ઊંડી શબ્દ સાધના તરફ દોરી ગયો. વ્યવસાયે જનકભાઈ લીંબડીની માધ્યમિક શાળામાં શિક્ષક પણ શહેરની કૉલેજોના અધ્યાપકો ન કરે તેવી આરાધના તેમણે કરી જણાય છે. નોકરી કરતાં કરતાં અનુવાદ માટે સમય મેળવવો. સામયિકોમાં તે પ્રસિદ્ધ કરાવવા, વળી પીએચ.ડી.નો અભ્યાસ માંડીને દોસ્તોયેવ્સ્કી જેવા રશિયન લેખકની ‘ગુના અને ન્યાય’ની ફિલસૂફી પર મહાનિબંધ લખવો અને ડૉક્ટરેટની ઉપાધિ મેળવવી તે સઘળું તેમની વિદ્યાપ્રીતિ, સાહિત્યાનુરાગ અને કર્મયોગીસમ કાર્યરીતિને આભારી છે.
ડૉ. શ્રી જનકભાઈ શાહનો આ આયામ ગુજરાતના વાચકોની દૃષ્ટિને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પૂરો પાડીને સાહિત્ય જગતમાં વધુ વિહરવા નીકળી પડવાનું આવાહન કરશે એવી શુભેચ્છાઓ સહિત…..

