પરોઢ - એક નવી સવાર

યાદ આવે છે કલાપીના ગ્રામ્ય માતા કાવ્યની શરૂઆતની પંકિતઓ… 'પરોઢ’ વિશેની કેવી અદભુત કાવ્યાત્મક અભિવ્યક્તિ!

(શાર્દૂલવિક્રીડિત)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

 

માનવીના જીવનના અંધકારને ઉલેચી તેને અજવાળા તરફ લઈ જાય તે તેને માટે પરોઢ. પરોઢ એટલે આશાનું કિરણ, આનંદનો આવિષ્કાર, સુખની શોધ, દુઃખનું વિલોપન, નિરાશાને જાકારો, ઉમંગ, જોમ અને ઉત્સાહનો તરવરાટ, ચૈતન્યનો અણસાર.

સામાન્ય રીતે આપણે પરોઢ એટલે વહેલી સવાર, મળસ્કું, પોહ, પ્રભાત, ઊષા એવો અર્થ કરીએ છીએ પણ પરોઢ થતા માનવી પર શું અસર થાય છે તેની ખબર છે? પરોઢ થાય અને મન પાંગરે છે, ઓચિંતાની આળસ મરડીને માનવી જાગી ઉઠે છે, વલોણા ગાજી ઉઠે છે, ઘરના ખુણે ઘંટી જાગી ગીત ગાવા મંડે છે, કાંબી ને કડલા વાતે વળગે છે, હેલ્યું પાણી ભરવા નીકળી પડે છે, કુવાના કાંઠે સીંચણીયાં સંગાથે ગરેડી ગાન કરવા લાગે છે, સાવરણી-સાવરણા વાસીંદે વળગે છે, ફળિયું ફોરે છે, આખી શેરી જાગી જાય છે, ચુલા ચેતાય છે, તાવડી તપીને શિરામણ ભેળી થાય છે, વાછરું ભાંભરીને માને વળગે છે, ઊષાની સોડ્યેસુરજ ભાળી રાત રડવા મંડે છે અને આભ ઝ્રરુખાનો અણહાર થાય છે……..આ પરોઢ છે. ઊષાનું આગમન થતાં અંધકાર લુપ્ત થાય છે અને સઘળું ઝળાંહળાં થાય છે. જો ગુઢાર્થ સંદર્ભમાં એક એક પ્રવૃત્તિને પ્રતિકાત્મક સ્વરૂપે જોઈએ તો માનવીના ચૈતન્યનું તે એક સ્વરૂપ જ છે. નિરાશારૂપી રાત્રીના અંધકારને ધકેલીને આશાનું અજવાળું ફેલાવે તે પરોઢ.

 

કદાચ પચાસેક વર્ષથી અધ્યાપન દ્વારા પ્રત્યક્ષ અને સાહિત્ય દ્વારા પરોક્ષ રીતે અમારા બન્નેનો આબાલ- વૃદ્ધમાં અને ખાસ કરીને ઉગતી પેઢીમાં પરોઢ પાંગરે તેવુ સાહિત્ય સર્જન કરવાનો અભિગમ રહ્યો છે. નિવૃત્તિ પછી અમારી શાળા મોટી થઈ ગઈ છે. આજે જ્યારે સોશ્યલ મિડિયાનું માધ્યમ બળવત્તર બન્યું છે ત્યારે પેલા શિક્ષકના જીવને ઉંઘવાનું ગમતું નથી. માતા-પિતા અને ગુરૂજનોએ આપેલ સંસ્કાર મૂલ્યને સાહિત્યના માધ્યમ દ્વારા યથાશક્તિ ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું છે. શરીર ચાલે ત્યાં સુધી આ શિક્ષક જીવ સંસ્કારોનું જતન કરવા કૃતનિશ્ચયી છે. પેલી સ્થુળ શાળા અને જીવંત વિદ્યાર્થી નું પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયું છે અને તેનું ફલક વિશાળ બની ગયું છે. અમારા આ આભિગમને જાળવવા માટે પ્રભુકૃપાએ અને ઋણાનુબંધે એવા સંસ્કારી મૂલ્યનિષ્ઠ માતા-પિતા, ભાઈ, બહેન, સંતાનો, સંતાનોનો પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓ મળ્યા કે હોંશે હોંશે અમારો આ અભિગમ સાર્થક થયો છે.

 

બચપણમાં થયેલા અકસ્માતને લીધે ત્રણ વર્ષ સુધી અસહય શારીરિક પીડા વેઠવી પડી ત્યારે સંગીત અને સાહિત્યના સહારે જીવવાનું મને મનોબળ પ્રાપ્ત થયું અને મારા જીવનનું પરોઢ પાંગર્યું. માએ લાવી આપેલ પુસ્તકોના પાત્રો જેવાકે તભાભટ્ટ, મિયા ફુસકી, બકોર પટેલ, છકો-મકો, લંબોદર શર્મા, ટારઝન, વિક્ટર હ્યુગો અને જુલેવર્ન વગેરેના સહવાસમાં તે સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. મા સાથે ભજનો ગાતાં ગાતાં શરીરની પીડા પણ વિસારે પડી. સંગીતની કેટલી બધી જાદુઈ અસર થાય છે તેની અનુભૂતિ શૈશવથી જ મને થઈ ગઈ. આમ, શૈશવમાં જ શારીરિક વિકલાંગતાની બક્ષિસ સાથે સાહિત્ય અને સંગીતમાં અભિરુચિ કેળવાઈ અને તેના કારણે સંસ્કાર, સંગીત અને સાહિત્યના સંસ્કારો જીવનમાં વણાઈ ગયા. એક સમયે જીવી જ નહી શકું તેવી પરિસ્થિતિમાં પડતો આખડતો દુઃખ વેઠતો જીવી ગયો. મા-બાપને શંકા હતી કે હું મારા પગ ઉપર ઉભો રહી શકીશ કે કેમ? પણ તેઓની પરવરીશ અને ભાઈ-બહેનના પ્રેમે હું મારા પગ પર ઉભો થઈ શક્યો. આમ મારા જીવનનું પરોઢ ઉગવામાં તેઓનું ઋણ ચૂકવી શકાય તેવું નથી. એક વિકલાંગ તરીકે મોટો તો થતો ગયો પણ પેલી વિકલાંગતાની લધુતાગ્રંથી ને દૂર કરવામાં કુટુંબ, ગુરૂજનો, સંસ્કાર અને સાહિત્યનો બહુ મોટો ફાળો રહ્યો.ખાસ કરીની એક ચીની બાળક ચેંગ-ફુંગ-શીની આત્મકથા A LEAKY BOAT IN THE STORMY SEAનો અનુવાદ કર્યા પછી તે ગ્રંથી દૂર થઈ. તેમાં વિકલાંગ હોવા છતાં મારો દિલથી સ્વીકાર કરનાર અને જિંદગીભર સાથ દઈ મારા જીવન-પરોઢને હર્યા-ભર્યા આનંદથી ભરી દેનાર ધર્મપત્નીના સમર્પણના મૂલ્યને હું કેમ વિસરી શકું ? તેમાંય મારા સંતાનોએ તેમના પરિવાર સાથે આજે મારા ઘરસંસારને પ્રફુલ્લિત કરી દીધો છે. આ ઋણાનુંબંધ અને સદ્કર્મોના ઉદયના પરિપાકરૂપે આજે ‘પરોઢ’ બ્લોગ પ્રસ્તુત કરું છું.

હોસ્પિટલના લાંબા નિવાસને લીધે ભવિષ્યમાં ડૉકટર બની લોકોના દુઃખ દર્દને દૂર કરવાનું મેં સ્વપ્ન જોયું હતું પણ નિયતીને તે મંજૂર નહી હોય તેથી અંગ્રેજી ભાષાના નબળા દર્દીઓ માટે નિવૃત્તિ સમયે અંગ્રેજી સાહિત્યનો ડૉકટર બન્યો. આજે અંગ્રેજી વ્યાકરણના પુસ્તકો દ્વારા અંગ્રેજી ભાષાના નબળા દર્દીઓની સારવાર તો ચાલુ જ રાખી છે. શાળા-કોલેજ અને અધ્યાપન સમયે સંપર્કમાં આવેલ જગખેડુઓનાં પ્રેરક ચરિત્રોને આલેખીને તેમજ પાશ્ચાત્ય સાહિત્યમાંથી કેટલીક ટૂંકી વાર્તાઓનો તો વિવિધ સામાયિકો દ્વારા અને પુસ્તક દ્વારા આસ્વાદ કરાવ્યો હતો. આજે જીવન-સંધ્યાની ઘડીએ જગતના ખૂણેખાંચરે ચમક્તાં એ દિવ્યશક્તિ ધરાવતા હીરાઓને ખોળીને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યા છે તેમજ તેમની વીડીઓ બનાવી તેમનો જીવંત પારિચય કરાવ્યો છે. ઘરની ચીજ-વસ્તુઓના ઉપયોગથી રમી શકાય તેવી ઈનડોર રમતોનો પણ સંગ્રહ કર્યો છે. આપણો સામાન્ય વર્ગ જે લોક-વન ઘંઉ ખાય છે તેના સંશોધન કર્તા ડૉ. શ્રી ઝવેરભાઈ પટેલની જીવની ‘ઈનવેશન સાગા’ અંગ્રેજી ભાષામાં પ્રસ્તુત કરી હતી. આ પુસ્તિકા ખેતીવાડીના ૬૦૦ જેટલા નિષ્ણાતોને ભેટ આપ્યા પછી એક હિંદી ભાષાના પંજાબી ડૉકટરે આ અંગ્રેજી પુસ્તકનું હિંદી ભાષામાં ભાષાંતર કરીને ભારતની આમ જનતાના લાભાર્થે લોકાર્પણ કર્યુ` …..વિશ્વમાં એવા વિરલાઓ છે જે કોઈ ને કોઈ અંગ વગરનાં હોય છે. કોઈકોઈ તો સાવ પાંગળા હોવા છતાં તેમણે પોતાના સામર્થ્ય બળ વડે કંઈક ને કંઈક પ્રાપ્ત કર્યું છે. આવી આંતરઊર્જાથી સભર એવી સામાન્ય ગણાય છતાં જે ખરેખર અસામાન્ય છે તેવી વ્યક્તિઓની સંવેદનાને, તેમની વિષમ પરિસ્થિતિઓને તથા તેમની ઝિંદાદિલીને અમે સંજીવદ્રષ્ટિથી જોઈ પિછાણીને તેમની કથા અને વ્યથાઓને સમાજ સમક્ષ મૂકી છે. અમે અંધારી અમાસની રાતમાં તેજસ્વી તારલા ચમકાવ્યા છે. અડગ મનના ગજબ માનવીના સામર્થ્યની કથાઓ કહી છે. કોઈકના દર્દને ઉધાર લઈ તેમના દુઃખ-દર્દ દૂર કરનારને જગત સમક્ષ મૂક્યા છે. શરીર અક્ષમ હોવા છતાં પોતાના હોંસલાથી ઉંચી ઊડાન ભરનારને બિરદાવ્યા છે. જીવતરને માણસાઈથી શોભાવનારા માનવીઓને જગત સમક્ષ પ્રસ્તુત કર્યા છે. હૈયે હામ રાખી હરકતોથી ન ગભરાનારા સિદ્ધિવંતોને પારખ્યા છે. અજવાળી કેડી પર અનોખી રીતે પગલા પાડી રાહ બતાવનારા માનવીઓની ઓળખ આપી છે. જિંદગીભર સારપનું વાવેતર કરનારા આધુનિક જમાનાના સમાજસેવી ઋષિઓની ઝાંખી કરાવી છે… અને છેલ્લે બંધ પોપચામાં રંગોની ભાત પાડી ઓજસ પાથરનારા પ્રજ્ઞાચક્ષુઓની યશોગાથા વર્ણવી છે.
આમ, અમારી આ સાહિત્ય-સફરને ‘પરોઢ’ બ્લોગના માધ્યમથી પ્રસ્તુત કરવાનો હેતુ ફક્ત એકજ છે કે જિંદગીમાં આવેલાં પડકારો ઝીલીને માનવી કેવી રીતે જીવી જાય છે તેનો ખ્યાલ આવે. તેઓ નિરાશા, આળસ, કંટાળાને ત્યાગી ચેતનવંતા બની ઈશ્વરે આપેલ પોતાની આ ચેતનાને સન્નમાર્ગે વાળે. જિંદગીમાં ભૌતિક સમૃધ્ધિ જ એક માપદંડ નથી. પરદુઃખે દુઃખી થઈ પરમાર્થ કરવા જેવું બીજું ઉત્તમ કોઈ પૂણ્ય નથી. જિંદગીમાં નિરાશા આવે, અસફળતા મળે, હાથવેંત સિદ્ધિ ચાલી જાય તો પણ આપઘાતના વિચાર કરવાને બદલે, નાસીપાસ થવાને બદલે ઉત્તમ અને પ્રેરક જીવન જીવી ગયેલાં ચેતનવંતા લોકોના જીવનમાં ડોકિયું કરી એક નવા જ પરોઢની આશા સેવી જીવવા લાગી પડે તો અમે માનીએ છીએ કે આ સાહિત્યના વારસાને મૂકી જવાનો પરિશ્રમ વ્યર્થ નહી જાય.
જીવનસંધ્યાના અવસરે માતા-પિતા, ભાઈ-બહેનો અને ગુરુજનોએ આપેલ શિક્ષણ, સંસ્કાર અને નિષ્ઠાનો આ વારસો જગતના માનવીઓના ચારિત્ર્યનું ઘડતર કરી નૂતન પ્રભાત લાવે તેવી અભ્યર્થના છે. આ નિવૃત્તિ સમયે ગુજરાતી સાહિત્યના ચિરંજીવી વારસાને નવી પેઢી માટે આ બ્લોગ દ્વારા આયુષ્ય છે ત્યાં સુધી જાળવી રાખવાના પ્રયત્નમાં સહભાગી બનવાની ખ્વાઈશ પણ છે. ભવિષ્યમાં મારા બ્લોગના માધ્યમથી ઉત્તમ અંગ્રેજી સાહિત્યના વારસાને ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા અને ઉત્તમ ગુજરાતી સાહિત્યના વારસાને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા આવતી કાલની પેઢી સમક્ષ મૂલ્યવાન કૃત્તિઓ પ્રસ્તુત કરી સંસ્કાર અને શિક્ષણને વિશ્વભરમાં જીવંત રાખવાની અભિલાષા છે. અમને આશા છે કે આપ સૌ સંસ્કાર, સાહિત્ય અને શિક્ષણ પ્રેમી વાચકો અમારી આ અભિવ્યક્તિને ઉષ્માભર્યો આવકાર આપશો.
અમને આપેલી હૂંફ અને પ્રોત્સાહન માટે આ તકે શ્રી માનવવિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ, નવસર્જન પબ્લિકેશન, ગુર્જર સાહિત્યભવન અને અતુલ પ્રકાશનનો અમે આદર સહિત ૠણસ્વીકાર કરીએ છીએ.

ડો. જનક શાહ
શ્રીમતી ભારતી શાહ

Leave a Reply

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp