(ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૨માં આત્મકથા, રેખા ચિત્ર, પત્ર અને જીવન ચરિત્ર વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે તૃતિય ક્રમના પારિતોષકને પાત્ર બનેલ પુસ્તક)
જીવનની અંધારી ઘનઘોર રાતમાં પોતાના તેજે ચમકતા તારલાઓના પ્રકાશની અહિંયા ઉજ્જવળ, સુવર્ણમયી વાસ્તવકથાઓ છે. જીવનના રણમેદાનમાં ખેલાયેલી પરાક્રમ-ગાથાના વિજેતાઓની આ વાત છે. આ વિકલાંગ વ્યક્તિઓનું જીવન નિરાશાથી ઘેરાયેલું હતું. ઉપહાસથી આમતેમ ફંગોળાયેલું હતું. દૂર દૂર આશાનું એક કિરણ
પણ દેખાતું નહોતું, એ દિશાઓ ફંફોળતો હતો અને ત્યારે આ તેજસ્વી તારલાઓએ પોતીકા તેજે પ્રકાશવાનો દૃઢ સંકલ્પ કર્યો અને એ એકલવ્યી સંકલ્પને સિદ્ધ કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો, પરિણામે સામે ચાલીને સફળતા એમના કદમ ચૂમતી રહી. અંધારી અમાસ જેવી શારીરિક મર્યાદાઓના અંધકારનો પડકાર ઝીલીને જીવનયુદ્ધમાં વિજય મેળવતા વીસ વીર માનવીઓ અહીં મળે છે. આ બધા માનવીઓએ જિંદગીની પ્રચંડ મુશ્કેલીઓ સામે શરણાગતિથી માથું ઝુકાવવાને બદલે ટટ્ટાર અને અડીખમ રહીને એનો મુકાબલો કર્યો છે. એમનો આ અવિરત સંઘર્ષ એ જ એમની ભવ્ય પરાક્રમગાથા છે.
-/ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
વિકલાંગ વ્યક્તિઓ, જેમણે પોતાના જીવન દ્વારા આ જગમાં એક ઓળખ મૂકી છે તેવાં આ જીવનવીર નાયક-નાયિકાઓ દશાંગુલ ઊંચા-મૂઠી ઉચેરા માનવીઓ સહુના માન-પ્રેમના અધિકારીની આ વાત છે. તેમને સો સો સલામ ! જીવન એટલે શું તેનો આ અર્થ આ તેજસ્વી ધ્રૂવતારકો વ્યક્તિઓએ જગતના કરોડો લોકોને સમજાવ્યો છે.
-/ ડૉ. શ્રદ્ધાબેન ત્રિવેદી
પ્રકાશકઃ
‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ – પ્રથમ આવૃત્તિ-૨૦૧૨
નવસર્જન પબ્લિકેશન- દ્વિતિય આવૃત્તિ-૨૦૧૬
મૂલ્યઃ રૂપિયા ૨૭૫ /-