પરોઢ - એક નવી સવાર
(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
માનવીના જીવનના અંધકારને ઉલેચી તેને અજવાળા તરફ લઈ જાય તે તેને માટે પરોઢ. પરોઢ એટલે આશાનું કિરણ, આનંદનો આવિષ્કાર, સુખની શોધ, દુઃખનું વિલોપન, નિરાશાને જાકારો, ઉમંગ, જોમ અને ઉત્સાહનો તરવરાટ, ચૈતન્યનો અણસાર.
સામાન્ય રીતે આપણે પરોઢ એટલે વહેલી સવાર, મળસ્કું, પોહ, પ્રભાત, ઊષા એવો અર્થ કરીએ છીએ પણ પરોઢ થતા માનવી પર શું અસર થાય છે તેની ખબર છે? પરોઢ થાય અને મન પાંગરે છે, ઓચિંતાની આળસ મરડીને માનવી જાગી ઉઠે છે, વલોણા ગાજી ઉઠે છે, ઘરના ખુણે ઘંટી જાગી ગીત ગાવા મંડે છે, કાંબી ને કડલા વાતે વળગે છે, હેલ્યું પાણી ભરવા નીકળી પડે છે, કુવાના કાંઠે સીંચણીયાં સંગાથે ગરેડી ગાન કરવા લાગે છે, સાવરણી-સાવરણા વાસીંદે વળગે છે, ફળિયું ફોરે છે, આખી શેરી જાગી જાય છે, ચુલા ચેતાય છે, તાવડી તપીને શિરામણ ભેળી થાય છે, વાછરું ભાંભરીને માને વળગે છે, ઊષાની સોડ્યેસુરજ ભાળી રાત રડવા મંડે છે અને આભ ઝ્રરુખાનો અણહાર થાય છે……..આ પરોઢ છે. ઊષાનું આગમન થતાં અંધકાર લુપ્ત થાય છે અને સઘળું ઝળાંહળાં થાય છે. જો ગુઢાર્થ સંદર્ભમાં એક એક પ્રવૃત્તિને પ્રતિકાત્મક સ્વરૂપે જોઈએ તો માનવીના ચૈતન્યનું તે એક સ્વરૂપ જ છે. નિરાશારૂપી રાત્રીના અંધકારને ધકેલીને આશાનું અજવાળું ફેલાવે તે પરોઢ.
કદાચ પચાસેક વર્ષથી અધ્યાપન દ્વારા પ્રત્યક્ષ અને સાહિત્ય દ્વારા પરોક્ષ રીતે અમારા બન્નેનો આબાલ- વૃદ્ધમાં અને ખાસ કરીને ઉગતી પેઢીમાં પરોઢ પાંગરે તેવુ સાહિત્ય સર્જન કરવાનો અભિગમ રહ્યો છે. નિવૃત્તિ પછી અમારી શાળા મોટી થઈ ગઈ છે. આજે જ્યારે સોશ્યલ મિડિયાનું માધ્યમ બળવત્તર બન્યું છે ત્યારે પેલા શિક્ષકના જીવને ઉંઘવાનું ગમતું નથી. માતા-પિતા અને ગુરૂજનોએ આપેલ સંસ્કાર મૂલ્યને સાહિત્યના માધ્યમ દ્વારા યથાશક્તિ ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું છે. શરીર ચાલે ત્યાં સુધી આ શિક્ષક જીવ સંસ્કારોનું જતન કરવા કૃતનિશ્ચયી છે. પેલી સ્થુળ શાળા અને જીવંત વિદ્યાર્થી નું પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયું છે અને તેનું ફલક વિશાળ બની ગયું છે. અમારા આ આભિગમને જાળવવા માટે પ્રભુકૃપાએ અને ઋણાનુબંધે એવા સંસ્કારી મૂલ્યનિષ્ઠ માતા-પિતા, ભાઈ, બહેન, સંતાનો, સંતાનોનો પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓ મળ્યા કે હોંશે હોંશે અમારો આ અભિગમ સાર્થક થયો છે.
બચપણમાં થયેલા અકસ્માતને લીધે ત્રણ વર્ષ સુધી અસહય શારીરિક પીડા વેઠવી પડી ત્યારે સંગીત અને સાહિત્યના સહારે જીવવાનું મને મનોબળ પ્રાપ્ત થયું અને મારા જીવનનું પરોઢ પાંગર્યું. માએ લાવી આપેલ પુસ્તકોના પાત્રો જેવાકે તભાભટ્ટ, મિયા ફુસકી, બકોર પટેલ, છકો-મકો, લંબોદર શર્મા, ટારઝન, વિક્ટર હ્યુગો અને જુલેવર્ન વગેરેના સહવાસમાં તે સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. મા સાથે ભજનો ગાતાં ગાતાં શરીરની પીડા પણ વિસારે પડી. સંગીતની કેટલી બધી જાદુઈ અસર થાય છે તેની અનુભૂતિ શૈશવથી જ મને થઈ ગઈ. આમ, શૈશવમાં જ શારીરિક વિકલાંગતાની બક્ષિસ સાથે સાહિત્ય અને સંગીતમાં અભિરુચિ કેળવાઈ અને તેના કારણે સંસ્કાર, સંગીત અને સાહિત્યના સંસ્કારો જીવનમાં વણાઈ ગયા. એક સમયે જીવી જ નહી શકું તેવી પરિસ્થિતિમાં પડતો આખડતો દુઃખ વેઠતો જીવી ગયો. મા-બાપને શંકા હતી કે હું મારા પગ ઉપર ઉભો રહી શકીશ કે કેમ? પણ તેઓની પરવરીશ અને ભાઈ-બહેનના પ્રેમે હું મારા પગ પર ઉભો થઈ શક્યો. આમ મારા જીવનનું પરોઢ ઉગવામાં તેઓનું ઋણ ચૂકવી શકાય તેવું નથી. એક વિકલાંગ તરીકે મોટો તો થતો ગયો પણ પેલી વિકલાંગતાની લધુતાગ્રંથી ને દૂર કરવામાં કુટુંબ, ગુરૂજનો, સંસ્કાર અને સાહિત્યનો બહુ મોટો ફાળો રહ્યો.ખાસ કરીની એક ચીની બાળક ચેંગ-ફુંગ-શીની આત્મકથા A LEAKY BOAT IN THE STORMY SEAનો અનુવાદ કર્યા પછી તે ગ્રંથી દૂર થઈ. તેમાં વિકલાંગ હોવા છતાં મારો દિલથી સ્વીકાર કરનાર અને જિંદગીભર સાથ દઈ મારા જીવન-પરોઢને હર્યા-ભર્યા આનંદથી ભરી દેનાર ધર્મપત્નીના સમર્પણના મૂલ્યને હું કેમ વિસરી શકું ? તેમાંય મારા સંતાનોએ તેમના પરિવાર સાથે આજે મારા ઘરસંસારને પ્રફુલ્લિત કરી દીધો છે. આ ઋણાનુંબંધ અને સદ્કર્મોના ઉદયના પરિપાકરૂપે આજે ‘પરોઢ’ બ્લોગ પ્રસ્તુત કરું છું.
ડો. જનક શાહ
શ્રીમતી ભારતી શાહ
