નાનકડા જનકથી ડો. જનક શાહ સુધીની સંઘર્ષભરી જિંદગીની સફર.

આ ક્ષણે ૧૧ વર્ષના એક બાળકની વાત યાદ આવે છે. વર્ષો પહેલાં, ૧૩- ૦૯-૧૯૬૦ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે, લીંબડી મુકામે ૧૧ વર્ષની ઉંમરે આંબલી-પીપળી રમતા અને કાતરા ખાવા જતા આંબલી ઉપરથી ત્રિશુળ જેવી ફેન્સિંગ પર સીધા પડતા આ બાળકનો ડાબો સાથળ ચીરાઇ ગયો. સૌરાષ્ટ્ર મેઇલ આવવાનોે સમય હતો તેથી ઘોડાગાડી મળી ગઇ અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ કરવામાં આવી.

બીજી આંબલીએ રમતા મોટા ભાઇને ખબર પડી એટલે તે ઘોડાગાડી સાથે દોડતો દોડતો અને હાંફતો હાંફતો પિતાને સમાચાર આપવા ધસી ગયો.રસ્તામાંથી પિતાને લીધા અને બાલમંદિરમાંથી મા ને લઇને હોસ્પિટલ પહોંચ્યા. પણ સરકારી હોસ્પિટલ એટલે બધું જ રગસીયા ગાડાની જેમ ચાલે. કોઇ સ્ટ્રેચર લાવે નહીં. બેબાકળી મા સિવિલ સર્જન શ્રી એ. પી. દેસાઇસાહેબના ઘરે પહોંચી. તે સમયે દેસાઇ સાહેબ ચા પીતા હતા. મા ને જોઇને બોલ્યા, ” બેન કેમ આટલા બેબાકળા છો ? થયુ શું છે ? ” મા એ જવાબ આપ્યો, “સાહેબ, મારો દીકરો પડી ગયો છે.” ચા નો અધૂરો કપ પડતો મૂકી તે જ સીવીલ પહેરવેશમાં તે હોસ્પિટલમાં ધસી આવ્યા. કારણ હતુ તેમના બે નાના બાળકોના મોટાબેનનો બાબો પડી ગયો હતો. તે સમયે આવુ હતું એક શિક્ષકનું મૂલ્ય ! પછી તો સ્ટ્રેચર પણ આવ્યું અને સારવાર માટે સૌ કોઇ હાજર થઇ ગયા. તાત્કાલિક તો હેમરેજની સારવાર માટે ધ્યાન આપવાનું હતું. કારણ…. બેનના બાબાએ તો ભાન ગુમાવી દીધુ હતુ. બોંતેર કલાક જો જીવી જાય તો જ બચવાની શક્યતા હતી. ડોકટરના પત્ની શ્રીમતી જિગીષાબહેને એફ.આર.સી. એસ. એવા પોતાના પતિને આહ્વાન આપતા કહયું, “તમારી ડીગ્રી શું કામની બેનનો આ બાબો ન બચે તો!”

ઇશ્વર કૃપાએ તે બાબો બચી તો ગયો પણ તેના પગમાં સેપ્ટિક થઇ ગયું. સાથળમાં વાટો ભરાવીને સેપ્ટિક સૂકવવાનુ હતુ. સાથળમાંથી સોંસરવો દેખાય તેવો ઘા હતો. ઘેનના ઇંજેક્શન વગર બાબાને ઊંઘ ન આવે. ડોક્ટરના કહેવા પ્રમાણે વધુ ઘેન પણ નકામુ હતું. ત્યારે માએ રામબાણ ઉપાય અજમાવ્યો. દિવસ તો જતો રહે પણ રાત કાઢવી આકરી હતી. મા એક ભજન ગાય સાથે તે બાબો પણ તેમાં સૂર પૂરાવતો જાય. એક, બે અને ત્રીજા ભજને તો ઘસઘસાટ ઊંઘવા લાગે. સંગીતનો કેટલો મોટો ચમત્કાર ! આ સારવાર કેટલી ચાલી હશે તે તમે કલ્પના નહી કરી શકો ! ડાબા પગના આંગળેથી શરૂ કરી છાતી સુધીના પ્લાસ્ટરના આવરણ હેઠળ ત્રણ ત્રણ વર્ષ રહેલ આ બાબાની સારવારમાં લીંબડી, અમદાવાદ અને મુંબઇની હડીયા પાટી કાઢતી તે મા એ પોતાના સંતાનોની પરવરીશમાં જાત ઘસી નાખી હતી તે વર્ણવવા શબ્દો આજે ઓછા પડે તેમ છે. તે સમયે તે માનો પગાર ૭૫ રૃપિયા અને પિતાનો પગાર ૧૫૦ રૂપિયા. હોસ્પિટલનો આ ખર્ચ તેને કેમ પરવડે? બીજા બે દીકરાને અને દીકરીને તો મોટી કરવાની હતી. ગાંધીના રંગે રંગાયેલ આ માતા-પિતાએ બધું જ વેઠયું. એકાદ અઠવાડિયા માટે દર બે મહિને આવતી તે માએ લાઇબ્રેરીમાંથી થેલો ભરી પુસ્તકો મુંબઇ ઉપાડી લાવી સમયની દવા તો કરી પણ સાથો સાથ સસ્કાર, સંગીત અને સાહિત્યના બીજનું વાવેતર પણ કર્યું. છકો-મકો, મિયાં ફુસકી, બકોર પટેલ અને ટારઝનના તો એ બાબાને રોજ સ્વપ્ના આવતા. બીજા દરદીઓ કહે, “હોસ્પિટલમાં ભજન કોણ સંભળાવે?” મા એ આપેલ તે ભજનના વારસાના સહારે અને દરદીઓ સાથે થયેલ મિત્રાચારીના કારણે પગના આંગળાથી ગળા સુધી પ્લાસ્ટરમાં કેદ થયેલ આ બાબાને હોસ્પિટલમાં ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા તેની ખબર પણ ન પડી! તે વર્ષો કેવી રીતે વીત્યા તેનો અણસાર પણ આજે તે બાબાને નથી રહયો. પોતાના સંતાનોના શિક્ષિકાબહેનના દીકરાના નાતે કોઇને ન મળે તેવી ડોક્ટરોએ આ બાબાની સારવાર કરી….અને….. તે ઘોડીના ટેકે ઊભો થયો.

આ બાબો ઊભો તો થયો પણ ડાબો પગ ત્રણ ઇંચ ટૂંકો થઇ ગયો. ઢીંચણથી વળે નહી તેવો. પ્લાસ્ટરમાં રહી તે પગનો વિકાસ અટકી ગયો તેથી એકદમ પાતળો અને નબળો રહી ગયો. ડાબો સાથળ તો અનેક ઓપરેશનોના ચિહ્નો વાળો હાડકા વગરનો ખાડો. છતાં હિંમત હાર્યા વગર ચાલતા રહેવાથી એક દિવસ એવો આવ્યો કે ઘોડી છુટી ગઇ અને તેનું સ્થાન કેલિપરે લીધું. મા ને ચિંતા સતાવતી હતી કે આ દીકરાનો રોટલો ખાઇ શકીશ કે કેમ ? આ દીકરો પોતાના પગ પર ઉભો રહેશે કે કેમ ? પરણશે કે કેમ ? પણ માતા-પિતાની તે પરવરીશે તેને ઉભો કરી દીધો. તેના માતા-પિતાએ સૌથી મોટી દીકરીને માસ્ટર ડીગ્રી સુધીનું શિક્ષણ આપ્યું અને શિક્ષિકા બનાવી. મોટા દીકરાને એન્જીનિઅર બનાવ્યો. નાના દીકરાને બી.એસ. સી ર્ફ્સ્ટ ક્લાસ મેળવે તેવો હોંશિયાર બનાવ્યો. અને… જેનો રોટલો કદાચ દુર્લભ થશે તેવી ચિંતા સેવનાર આ માતા-પિતાના તે વિકલાંગ દીકરાને પી. એચ. ડી. કક્ષા સુધી ભણાવી અંગ્રેજી ભાષાનો શિક્ષક બનાવ્યો. ૩૩ વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો શિક્ષક બની રહેલ તે દીકરો એટલ વર્ષો પહેલાં પાશ્ચાત્ય સાહિત્યમાંથી કરેલ અનુવાદિત ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘ડોકિયું’ પુસ્તિકાનો અનુવાદક – જનક શાહ.

 

જનક એટલે – ‘લીમડી ગામે ગાડી મલી’ એ નામે ઓળખાતા એવા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી પી.એચ. ડી. કક્ષા સુધીનું શિક્ષણ લઇને સાક્ષર બની 75 વર્ષની વયે પણ નિવૃતિ ને બદલે સતત પ્રવૃતિમય રહેનાર એક શિક્ષક જીવ. સ્વાતંત્ર્ય સેનાની એવા ગાંધીના ચિંધ્યા માર્ગે ચાલનારા સદ્ગ્રહસ્થની સંસ્કારી અનુસ્નાતક સુપુત્રી ભારતી સાથે તે જનકે પ્રભુતામાં પગલા માંડયા અને આજે બે સંસ્કારી અને શિક્ષિત સંતાનોનો પ્રેમાળ પિતા બન્યો છે. શારીરિક પડકારો ઝીલતા ઝીલતા સાહિત્ય, સંગીત, શિક્ષણ અને સંસ્કારના વારસાની જે બક્ષિસ મળી તે માટે પ્રથમ તો મા બાપ, કુટુંબીજનો અને સમાજનું ઋણ તેનાથી કદી નહી ફેડી શકાય તેવું આ જનક માને છે.

માનવના જીવના અંધકારને ઉલેચી તેને અજવાળા તરફ લઈ જાય તે તેને માટે પરોઢ. પરોઢ એટલે આશાનું કિરણ, આનંદનો આવિષ્કાર, સુખની શોધ, દુઃખનું વિલોપન, નિરાશાને જાકારો, ઉમંગ, જોમ અને ઉત્સાહનો તરવરાટ, ચૈતન્યનો અણસાર. સામાન્ય રીતે આપણે પરોઢ એટલે વહેલી સવાર, મળસ્કું, પોહ, પ્રભાત, ઊષા એવો અર્થ કરીએ છીએ પણ પરોઢ થતા માનવી પર શું અસર થાય છે તેની ખબર છે ? પરોઢ થાય અને મન પાંગરે છે, ઓચિંતાની આળસ મરડીને માનવી જાગી ઉઠે છે, વલોણા ગાજી ઉઠે છે, ઘરના ખુણે ઘંટી જાગી ગીત ગાવા મંડે છે, કાંબી ને કડલા વાતે વળગે છે, હેલ્યું પાણી ભરવા નીકળી પડે છે, કુવાના કાંઠે સીંચણીયાં સંગાથી ગરેડી ગાન કરવા લાગે છે, સાવરણી-સાવરણા વાસીંદે વળગે છે, ફળિયું ફોરે છે, આખી શેરી જાગી જાય છે, ચુલા ચેતાય છે, તાવડી તપીને શિરામણ ભેળી થાય છે, વાછરુભાંભરીને માને વળગે છે, ઊષાની સોડ્યે સુરજ ભાળી રાત રડવા મંડે છે અને આભ ઝરુખાનો અણહાર થાય છે…આ પરોઢ છે.

 

ઊષાનું આગમન થતાં અંધકાર લુપ્ત થાય છે અને સઘળું ઝળાંહળાં થાય છે. જો ગુઢાર્થ સંદર્ભમાં એકેએક પ્રવૃત્તિને પ્રતીકાત્મક સ્વરૃપે જોઇએ તો માનવીના ચૈતન્યનું તે એક સ્વરૃપ જ છે. નિરાશારૃપી રાત્રીના અંધકારને ધકેલીને આશાનું અજવાળું ફેલાવે તે પરોઢ. મારા જીવનના પરોઢ માટે હું કહું તો મૂલ્ય નિષ્ઠ મારા માતા-પિતા, ભાઇ, બહેન, મારી ધર્મપત્ની, સંતાનો, સંતાનોનો પરિવાર અને સગા-સંબંધીઓ તેમ જ ગુરૂજનો યશભાગી છે.

 

કદાચ પચાસેક વર્ષથી અધ્યાપન દ્વારા પ્રત્યક્ષ અને સાહિત્ય દ્વારા પરોક્ષ રીતે અમારા બન્નેનો આબાલ-વૃદ્ધમાં અને ખાસ કરીને ઊગતી પેઢીમાં પરોઢ પાંગરે તેવું સાહિત્ય સર્જન કરવાનો અભિગમ રહ્યો છે. નિવૃત્તિ પછી મારી શાળા મોટી થઇ ગઇ છે. આજે જ્યારે સોશ્યલ મિડિયાનું માધ્યમ બળવત્તર બન્યું છે ત્યારે પેલા શિક્ષકના જીવને ઊંઘવાનું ગમતું નથી. માતા-પિતા અને ગુરૃજનોએ આપેલ સંસ્કાર મૂલ્યને સાહિત્યના માધ્યમ દ્વારા યથાશક્તિ ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું છે. શરીર ચાલે ત્યાં સુધી આ શિક્ષક જીવ સંસ્કારોનુ જતન કરવા કૃતનિશ્ચયી છે. પેલી સ્થુળ શાળા અને જીવંત વિદ્યાર્થીનું પરિપ્રેક્ષ્ય બદલાઇ ગયું છે અને તેનું ફલક વિશાળ બની ગયું છે. મારા આ અભિગમને જાળવવા માટે પ્રભુકૃપાએ અને ઋણાનુબંધે એવા સંસ્કારી મૂલ્યનિષ્ઠ માતા-પિતા, ભાઇ-બહેન, સંતાનો, સંતાનોનો પરિવાર, મિત્રો, સગાસંબંધીઓ મળ્યા કે હોંશે હોંશે મારો આ અભિગમ સાર્થક થયો છે.

મા-બાપની પરવરીશ અને ભાઇ-બહેનના પ્રેમે હું મારા પગ પર ઉભો થઇ શક્યો છું. આમ મારા જીવનનું પરોઢ ઉગવામાં તેઓનું ઋણ ચૂકવી શકાય તેવું નથી. એક વિકલાંગ તરીકે મોટો તો થતો ગયો પણ પેલી વિકલાંગતાની લઘુતાગ્રંથીને દૂર કરવામાં કુટુંબ, ગુરૂજનો, સંસ્કાર અને સાહિત્યના વારસાનો બહુ મોટો ફાળો રહ્યો છે. ખાસ કરીને એક ચીની બાળક ચેંગ-ફુંગ-શીની આત્મકથા ‘A LEAKY BOAT IN THE STORMY SEA’ નો અનુવાદ કર્યા પછી પેલી વિકલાંગતાની લઘુતાગ્રંથી ક્યાં ચાલી ગઇ તે ખબર નથી. તેમાંય વિકલાંગ હોવા છતાંમારો દિલથી સ્વીકાર કરનાર અને જિંદગીભર સાથ દઇને મારા જીવનપરોઢને હર્યા-ભર્યા આનંદ-ઉલ્લાસથી ભરી દેનાર મારી ધર્મપત્ની ભારતીના સમર્પણના મૂલ્યને કેમ વિસરી શકું ? તેમાંય મારા સંતાનોએ તેમના પરિવાર સાથે આજે મારા ઘરસંસારને પ્રફુલ્લિત કરી દીધો છે. 

 

આ ઋણાનુબંધ અને સદ્કર્મોના ઉદયના પરિપાકરૂપે મને ‘પરોઢ’ બ્લોગ સ્વરૃપે અમૂલ્ય ભેટ બક્ષી તાજેતરમાં અચાનક કોરોનાનો ભોગ બની અમારી જિંદગીમાં અકલ્પનિય ‘ખાલીપો’ બક્ષી સૌ માટે ‘પ્રિયજન’ બની ભગવાનના પ્યારા બની ગયેલ ફકત ૩૮ વર્ષના એકના એક વ્હાલા દીકરા દર્શન-ચિન્ટુંને – દાદાના આત્મારામને અમે જિંદગીભર નહી ભૂલી શકીએ. ખેર કર્મ, ઋણાનુબંધ અને નિયતિનું આશ્વાસન લઇ પરમકૃપાળુ પરેમેશ્વરની ઇચ્છાને સ્વીકારવી જ રહી.

હોસ્પિટલના લાંબા નિવાસને લીધે ભવિષ્યમાં ડૉક્ટર બની લોકોના દુઃખ-દર્દને દૂર કરવાનું મેં સ્વપ્ન જોયું હતું પણ નિયતીને તે મંજુર નહી હોય તેથી મેડિકલમાં જવાની લાયકાત હું મેળવી ન શક્યો પણ અંગ્રેજી ભાષાના નબળા દર્દી એટલે વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી સાહિત્યનો ડૉક્ટર બન્યો. આજે ધોરણ પાંચથી ધોરણ બાર સુધીનાઅંગ્રેજી વ્યાકરણના પુસ્તકો – Ready Reconer in English Grammar and Composition લખીને અંગ્રેજી ભાષાના નબળા દર્દીઓની સારવાર તો ચાલુ જ રાખી છે. શાળા-કોલેજના શિક્ષણ દરમિયાન અને અધ્યાપન સમયે સંપર્કમાં આવેલ ‘જગખેડુ’ ના પ્રેરક ચારિત્રોને આલેખીને તેમજ પાશ્ચાત્ય સાહિત્યમાંથી કેટલીક ટૂંકી વાર્તાઓનો વિવિધ સામાયિકો દ્વારા અને ‘ડોકિયું’ પુસ્તક દ્વારા આસ્વાદ કરાવ્યો હતો. જીવન-સંધ્યાની ઘડીએ જગતના ખૂંણેખાંચરે ચમતાં દિવ્યશક્તિ ધરાવતા હીરાઓને ખોળીને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યા છે તેમજ તેમની વીડીઓ બનાવી તેમનો જીવંત પરિચય કરાવ્યો છે. ઘરની ચીજ-વસ્તુઓના ઉપયોગથી રમી શકય તેવી ઇન્ડોર ગેમ્સનો ‘રમીએ રમતો વ્યૂહ રચના’ સંગ્રહ પ્રસ્તુત કરી બાળકોને અને મોટેરાઓને સમયનો સદ્ઉપયોગ કરતા શીખવ્યો છે.

 

મારી સમગ્ર શિક્ષણ યાત્રામાં કયાંક વિશ્વના સાહિત્યકારોની સાહિત્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય બન્યો તો ક્યાંક શિક્ષક તરીકે તે શ્રેષ્ઠ કૃતિઓનો આસ્વાદ્ કરાવવો અનિવાર્ય બન્યો ત્યારે કેટલીક વાર્તાઓએ મારી સંવેદનાના તાર ઝણઝણાવી મુક્યા. મને તે વખતે ખબર ન હતી કે હું આવી હ્ય્દયસ્પર્શી કથાઓનંુ ગુજરાતીમાં ભાષાંતર કરીશ. પરંતુ અનાયાસે અવકાશ મળતાં આ વિશ્વ સાહિત્યની હ્ય્દયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર થઇ ગયું. તેમાં ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિશ્વમાનવ’, ‘સમર્પણ’, ‘નવનીત સમર્પણ’, ‘નવચેતન’, ‘કોડિયું’, ‘સ્ત્રીજીવન’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત મિત્ર’, ‘જનક્લ્યાણ’, ‘રમકડું’, ‘ઝગમગ’, ‘બાલસંદેશ’; અને ‘ધર્મસંદેશ’ જેવા સામાયિકો અને સમાચારપત્રોએ મારી અનુવાદિત અને રૃપાંતરિત કૃતિઓને પ્રગટ કરી મને પ્રોત્સાહિત કર્યો. આમ વિશ્વના સાહિત્યકારોની વાર્તાઓના ખજાનામાં ડોકિયું થઇ ગયું. તેના પરિપાક રૂપે ગુજરાત સાહિત્ય અકાદમીના અનુદાનથી ‘ડોકિયું’ વાર્તા સંગ્રહ મેં પ્રકાશિત કર્યો. આ વાર્તાઓના અનુવાદ કાર્ય માટે મારા ગુરૂજનોએ કોલેજકાળથી મને પ્રોત્સાહિત કર્યો છે. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતાં કરતાં વર્ષો સુધી અમને અંગ્રજી સાહિત્યનું રસપાન કરાવ્યું હતુ અને સમગ્ર ગુજરાત ‘અવાજ’ દ્વારા જેમની સ્ત્રી-કલ્યાણ પ્રવૃત્તિઓથી વાકેફ છે તેવા આદરણિય સાહિત્યવિદ્ (સ્વર્ગસ્થ) ડો. ઇલાબહેન પાઠકે તેમના વિદ્યાર્થી એવા આ નાનકડા શિક્ષકને બિરદાવી, ‘ડોકિયું’ માટે પ્રવેશક લખી આપ્યું તેને હું મારું અહોભાગ્ય સમજું છું. સોનામાં સુગંધ ભળે તેમ મારા સદ્ભાગ્યે, જેમને તેમની ગુજરાતી નવલકથા ‘અખેપાતર’ માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ નવાજેલ છે તેવા આદરણિય સાહિત્યકાર ડો.બિન્દુબેન ભટ્ટ દ્વારા મારા વાર્તા સંગ્રહ ‘ડોકિયું’ નું વિમોચન થયું હતું. ત્યારપછી નવસર્જન દ્વારા તેની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઇ હતી.

 

મારા વાર્તા સંગ્રહ ‘ડોકિયું’ માં ચીની વિકલાંગ બાળક ચેંગ ફુંગ-સીની આત્મકથાનો સમાવેશ કર્યો છે. અહિંયા તેની વાત કદાચ અસ્થાને નહિ લેખાય. ૧૯૭૯માં Reader’s Digest માં પ્રકાશિત થયેલ તે આત્મકથાનેા અનુવાદ કરતી વખતે વિકલાંગ એવા ચેંગ ફુંગ-સીના જીવનના અનેક ઉત્કૃષ્ટ પ્રયાસો જોઇને મારી વિકલાંગતાની લધુતાગ્રંથી કયાંય ઓગળી ગઇ હતી અને આજે હું જે કાંઇ બની શક્યો છું તેનો યશ આ ‘A Leaky Boat in a Stormy Sea’ ના અનુવાદનને આભારી છે. મારી સાહિત્યિક પ્રવૃતિની શરૃઆત ૧૯૭૮માં પહેલી વાર્તાનું ભાષાંતર કર્યું ત્યારે થઈ. તેને મઠારીને મારી એચ. કે. આર્ટ્સ કોલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક (સ્વ.) પૂ. ઈલાબહેન પાઠકે (‘અવાજ’) ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠ માસિક ‘બુદ્ધિપ્રકાશ’ માં મોકલી અને જેમની શતાબ્દીવર્ષની ઉજવણી થઇ હતી તેવા સ્વ. ડૉ.શ્રી મધુસુદન પારખે (પ્રિયદર્શી)મારી પહેલી વાર્તા ‘બુદ્ધિપ્રકાશ’ માં છાપીને સાહિત્યની પગદંડી પર મને પા..પા…પગલી પડાવી. તે સમયે લીંબડી જેવા નાના ગામનો તેમની કોલેજનો એક વિકલાંગ તરવરીયો યુવાન હું છું તેવી ઇલાબેનની મારા વિશે છાપ હતી. ઇલાબેન જીવ્યા ત્યાં સુધી મારા માર્ગદર્શક રહ્યાં હતા. આ તકે તેમના ઋણસ્વીકાર સાથે તેમને વંદન કરું છું. વિવિધ સામાયિકોમાં પ્રસિદ્ધ થયેલી મારી વાર્તાઓની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થવાની વાત આવી ત્યારે મારી દરેક વાર્તાને જીણવટથી વાંચીને સુધારા-વધારા સૂચવીને પુસ્તકનું તેમણે ‘પ્રવેશક’; લખી આપ્યું. એવી કેટલીય વાર્તાઓમાં ક્ષતિઓ હતી ત્યાં પ્રૂફ સુધારીને, મૂળ કથાઓનાં કેટલાક ફકરાઓનું ભાષાંતર રહી ગયું હતું તેનો સંદર્ભ આપીને મારી સાહિત્યની સફરના તેઓ માર્ગદર્શક બન્યા હતા. આ પુસ્તક’ડોકિયું’ ની પ્રથમ આવૃતિ સ્વપ્રયત્ને પ્રકાશિત કરી. શિક્ષણના અધ્યાપન દરમિયાન જે કોઈ વાર્તાઓ અંગ્રેજી ભાષામં ભણાવવામાં આવી તેનું અને કોલેજ કાળમાં જે કથાના સંપર્કમાં આવ્યો હતો તે વિવિધ સમય દરમિયાન વિવિધ સામાયિકોમાં જેવા કે ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિશ્વમાનવ’, ‘સમર્પણ’, ‘નવનીત સમર્પણ’, ‘નવચેતન’, ‘કોડિયું’, ‘સ્ત્રી’, ‘સ્ત્રીજીવન’,‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત મિત્ર’ વગેરેમાં ભાષાંતર કે રૃપાંતર સ્વરૃપે પ્રસિદ્ધ થઈ. એટલુંજ નહી કેટલીક કથાઓનું નાટય રૂપાંતર પણ કર્યું.

 

સ્વ. ડો. શ્રી ઝવેરભાઇ પટેલના નિવૃત્તિ જીવનના ૩૦ વર્ષની સખત જાતમહેનત, કુરબાની અને સ્વખર્ચે શોધેલ ઘઉંની ઉત્ક્રાંતિકારક જાત ‘લોક – ૧’ ની જાણ કરતી તેમની જીવનકથાની પુસ્તિકા ‘કર્મયોગી ની સંશોધન ગાથા’ ઇ. સ. ૨૦૧૧માં પ્રકાશિત થયેલ. આ પુસ્તિકા વાંચી હું ડો. ઝવેરભાઇ પટેલના આ માનવતાવાદી કાર્યથી પ્રભાવિત થયો. મને લાગ્યું કે ગુજરાત સિવાયના બીનગુજરાતી લોકો અને પરદેશી લોકોને ગુજરાતના આ મહાન સપૂત એવા ડો. ઝવેરભાઇ પટેલની માનવતાની વાત જાણે તે હેતુથી આ ‘કર્મયોગી ની સંશોધન ગાથા’ નું “Invention Saga” નામે અંગ્રેજી ભાષામાં મેં રૂપાંતર કર્યું છે. જેનું પ્રકાશન અમેરિકા સ્થિત ડો.ઝવેરભાઇના સંતાનો દ્વારા કરવામાં આવ્યું. કાનપુર મુકામે યોજાયેલ ઓલ ઇન્ડિયા રિસર્ચર વર્કશોપ (All India Researcher Workshop) માં હાજર રહેલા ભારતભરના અને વિદેશના ઘઉં અંગેના વેજ્ઞાનિકો અને સંશોધકો (લગભગ ૬૦૦ જેટલા) ને આ મારું અંગ્રેજી પુસ્તક “Invention Saga” તેમજ ડો. ઝવેરભાઇ પટેલ અંગે વિગત જણાવતું ‘ફ્લાયર’; ભેટ તરીકે આપવામાં આવેલ. મારા આ અંગે્રજી પુસ્તક પરથી હિન્દીમાં પણ ડૉ. શ્રી આર. એસ. કનવર (CCS HAU, Hisar) દ્વારા અનુવાદ કરાયો અને આમ જનતાના લાભાર્થે લોકાર્પણ કર્યું તેનો યશભાગી હું બન્યો છું.

 

વિશ્વમાં એવા વિરલાઓ છે જે કોઇને કોઇ અંગ વગરનાં હોય છે. કોઇ કોઇ તો સાવ પાંગળા હોવા છતાં તેમણે પોતાના સામર્થ્ય બળ વડે કંઇક ને કંઇક પ્રાપ્ત કર્યું છે. આવી આંતરઊર્જાથી સામાન્ય ગણાય છતાં જે ખરેખર અસામાન્ય છે તેવી વ્યક્તિઓની સંવેદનાને, તેમની વિષમ પરિસ્થિતિઓને તથા તેમની ઝિંદાદિલીને અમે સંજીવદૃષ્ટિથી જોઇ- પિછાણીને તેમની કથા અને વ્યથાઓને સમાજ સમક્ષ મૂકી છે. આમ સુ. શ્રી શ્રદ્ધાબેનના કહેવા પ્રમાણે અમે અંધારી અમાસની રાતમાં તેજસ્વી તારલા ચમકાવ્યા છે. અડગ મનના ગજબ માનવીના સામર્થ્યની કથાઓ કહી છે. કોઇકના દર્દને ઉધાર લઇ તેમના દુઃખ-દર્દ દૂર કરનારને જગત સમક્ષ મૂક્યા છે. શરીર અક્ષમ હોવા છતાં પોતાના હોંસલાથી ઉંચી ઉડાન ભરનારને બિરદાવ્યા છે. જીવતરને માણસાઇથી શોભાવનારા માનવીઓને જગત સમક્ષ પ્રસ્તુત કર્યા છે. હૈયે હામ રાખી હરકતોથી ન ગભરાનારા સિદ્ધિવંતોને પારખ્યા છે. અજવાળી કેડીપર અનોખી રીતે પગલાં પાડી રાહ બતાવનારા માનવીઓની ઓળખ આપી છે. જિંદગીભર સારપનું વાવેતર કરનારા આધુનિક જમાનાના સમાજસેવી ઋષિઓની ઝાંખી કરાવી છે. છેલ્લે બંધ પોપચામાં રંગોની ભાત પાડી ઓજસ પાથરનારા પ્રજ્ઞાચક્ષુઓની યશોગાથા વર્ણવી છે. જીવન સંધ્યાના સમયે પ્રભુએ સાથ આપ્યો છે ત્યારે ‘ચેતનાનો સાક્ષાત્કાર’ કરાવી પોતાના ચૈતન્ય દ્વારા જગતના લોકો માટે આશીર્વાદરૂપ બનનારા પચીસ માનવીઓની કથાના સંગ્રહને સદ્ગત વ્હાલા દીકરા દર્શનની સ્મૃતિમાં અમારા સંતાનોને અર્પણ કર્યો છે. સાથો સાથ ટોમ..ટીટ…ટોટ અને અન્ય શિશકિથાઓ નામે આનંદ અને પથ્ય શિક્ષણનો સુમેળ ધરાવતી બાળ વાર્તાઓનો સંગ્રહ પણ અમારા પરિવારના સંતાનોને અર્પણ કરેલ છે. આ તકે શ્રી મનુભાઇ શાહે અમારી પડખે ઉભાર રહીને ગૂર્જર પ્રકાશન કાર્યાલય દ્વારા અમારા બન્ને પુસ્તકોને પ્રકાશિત કરીને જે પ્રોત્સાહન પૂરું પાડયું છે તે માટે અમે તેમના ઋણી છીએ. શું તમે જિંદગીને એક ચેલેન્જની જેમ લીધી છે ? શરીર સક્ષમ હોય તોપણ આવેલા પડકારો ઝિલ્યા છે ? તે પડકારોને ઝીલી લઇને જિંદગીનો આનંદ માણવા પ્રયત્ન કર્યો છે ?હું આ નહીં કરી શકું તેવો વિચાર આવે ત્યારે જિંદગીના પડકારોને ઝીલી લઇને અફસોસ કર્યા વગર ઇશ્વરે કરેલ કૃપાનો ભરપૂર આનંદ માણતા એવા દિવ્યાંગ લોકોને કદી યાદ કરી લેજો.

 

આજે ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓથી પીછે હઠ કરનારાની સંખ્યા વધતી જાય છે. જિંદગીની નાની મોટી કસોટી વખતે માનવી નાસીપાસ થઇ જાય છે અને તેને આપઘાત કરવાના વિચારો આવવા લાગે છે ત્યારે આવા દિવ્યાંગ લોકોના જીવનમાં જો ડોકિયું કરી લેવાય તો તે નિરાશા કયાંય ચાલી જાય. મુશ્કેલીઓ જેટલી મોટી એટલી સિદ્ધિની ઊંચાઇને આંબવાની તક વધુ હોય છે. સોનાને આકાર આપવો હોય તો પહેલા તેને ટીપવું પડે અને પછી તેમાંથી જે આભુષણ બને તે અદ્ભુત હોય છે. એમ જિંદગીના પડકારો ઝીલીને જે તૈયાર થાય તે કદી અસફળ ન બને. અગાઉ ‘અંધારી અમાસના તેજસ્વી તારલા’ પુસ્તક દ્વારા જિંદગીના મેદાનમાં જંગ ખેલી જીતી જનાર વીસ દિવ્યાંગોની જીવનકથાઓ ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ અને નવસર્જન પબ્લિકેશન દ્વારા પ્રસ્તુત કરી હતી. તે પુસ્તકની બબ્બે આવૃતિ પ્રકાશિત થઇ છે. આ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૨ના આત્મકથા, રેખાચિત્ર, પત્ર અને જીવનચરિત્ર વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે તૃતિય ક્રમના પારિતોષકને પાત્ર બનેલ છે. ત્યાર પછી ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ દ્વારા ‘વિચાર વિજ્ઞાન’ માં પ્રસિદ્ધ થયેલા લેખોને ગ્રંથસ્થ કરી આંશિક મર્યાદાઓ છતાં અડગ મનનો અહેસાસ કરાવતા દસ માનવીઓની પુરુષાર્થ ગાથા દર્શાવતું પુસ્તક ‘અડગ મનના ગજબ માનવી’ દ્રઢ આત્મવિશ્વાસ સાથે ઝઝૂમતા દસ દિવ્યાંગોની ગાથા દર્શાવતું પુસ્તક ‘હોંસલોં કી ઉડાન’ માણસાઇની વાટે પોરસ ચડાવતાં મશાલચીઓની જીવનગાથા દર્શાવતું પુસ્તક ‘જીવતરની સાથે, માણસાઇની વાટે’ અને ન્યોછાવરી દ્વારા જીવન જીવતા માનવીઓની પ્રેરક જીવનગાથા દર્શાવતું પુસ્તક ‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર’ પ્રકાશિત કરાયું હતું. આટલેથી અટકયા વગર ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ નું પ્રોત્સાહન મળવાનું ચાલું રહેતા આવા બીજા ચાર અમારા પુસ્તકો પ્રકશિત થયા જેમાં છે (૧) ‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ – જિંદગીને જીવીને અને માણીને ઉજાસ પાથરનારા ૧૫ પ્રજ્ઞાચક્ષુઓની વાત (૨) ‘હૈયે હામ તો હરકત શી !’ – અમાપ સામર્થ્યનો અહેસાસ કરાવનારા ૧૫ દિવ્યાંગ સિદ્ધિવંતોની વાત (૩) ‘અજવાળી કેડીના અનોખા મુસાફરો’ – જીવનઘડતરમાં ચાલક બળ બને તેવા ૧૬ પુરુષાર્થ ચિત્રોની વાત (૪) ‘સારપનું વાવેતર’ – આધુનિક યુગના ૧૬ સમાજસેવી ઋષિઓની વાત શાળાના શિક્ષણથી પી. એચ. ડી. કક્ષા સુધીનું શિક્ષણ મેળવતા અનેક ગુરૃજનોએ મને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડયું છે. મારા સાહિત્ય ઘડતરમાં ડો. કુમારપાળ દેસાઇ, ડો. ચીનુભાઇ નાયક, ડો. મધુસુદન પારેખ, ડો. ઇલાબહેન પાઠક, ડો. રમેશભાઇ ભટ્ટ, ડો. પ્રફુલ્લભાઇ મહેતા, ડો. સુરેશભાઇ શુક્લ, શ્રી પ્રફુલ્લભાઇ ઠાકોર અને ડો. પૂર્ણિમાબહેન મહેતાનો ફાળો વિશેષ રહ્યો છે.

 

 

આજીવન સેવામૂર્તિ, કર્તવ્યપરાયણ, પ્રામાણિક, કેળવણી અને સંસ્કાર મુલ્યોના પ્રખર હિમાયતી, ચુસ્ત ગાંધીવાદી, આજીવન જાતે કાંતીને ખાદી પહેરવાનો અભિગમ અપનાવનાર, પ્રેમાળ અને આદરણિય એવા માતુશ્રી લલિતાબહેન અને પિતાશ્રી બાબુભાઇનો સંસ્કાર વારસો મને સાંપડયો છે. તેમના માટે મારી ચામડીમાંથી જોડા સીવડાવું તો પણ હું તેમના ઋણમાંથી કદી મુક્ત નહી થઇ શકું. પૂજનીય માતુશ્રી, પિતાશ્રી, વડિલ બહેન, વડિલ બંધુ, નાના ભાઇ, સહધર્મચારિણી ભારતી, અને સંસ્કારી સંતાનોની હુંફથી સંઘર્ષમય જીવનનું ‘અવિરામ યુદ્ધ’ જીતી શકયો છું.

 

ગુજરાત વિધાપીઠમાં એક કલાક ઓનરરી વિઝીટીંગ પ્રોફેસર તરીકે અંગેજી ભાષાનું શિક્ષણ આપતો હતો જેમાંથી નિવૃત્તિ લીધી છે. પૂ.ચંદ્રશેખર મહારાજ સાહેબના તપોવનમાં અંગ્રેજી માધ્યમની શાળામાં માનદ્ પ્રિન્સપાલ તરીકે પણ અંગ્રજી શિક્ષક તરીકે નિવૃત થયા પછી સેવા આપી છે. હાલ અતુલ પ્રકાશન દ્વારા ધોરણ ૫ થી ૧૨ સુધીના અભ્યાસક્રમ સંદર્ભે ‘READY RECKONER IN ENGISH GRAMMAR AND COMPSITION’ ની નવી નવી આવૃત્તિઓના સંસ્કરણમાં પ્રવૃત છું. ‘વિચાર વિજ્ઞાન’ સામાયિક ના સહતંત્રી અને સંપાદક તરીકેનું કાર્ય પણ મેં સંભાળ્યું હતું અને ‘વિચાર વિજ્ઞાન’ સામાયિકની કોલમોમાં પ્રેરણાત્મક લેખોના લેખન અને સંપાદન કાર્યમાં પણ સહયોગ આપ્યો હતો. હાલમાં ગુજરાત વિશ્વકોશમાં માનદ્ સેવા આપું છું. આજીવન વિદ્યાર્થી બની રહી કુટુંબે અને ગુરૂજનોએ આપેલ શિક્ષણ, સંસ્કાર અને નિષ્ઠાના વારસાને જિજ્ઞાસુ વિદ્યાર્થી જગતના ઘડતરમાં ઉપયોગી બની રહેવાની અભ્યર્થના છે. હવે નિવૃત્તિમાં ગુજરાતી સાહિત્યના ચિરંજીવી વારસાને જાળવી રાખવાના પ્રયત્નમાં સહભાગી બનવાની પણ ઇચ્છા છે.

 

મારી આ સાહિત્ય સફરને મારા ‘પરોઢ’ બ્લોગના માધ્યમથી મેં પ્રસ્તુત કરી છે તેનો હેતુ ફક્ત એક જ છે કે જિંદગીમાં આવેલાં પડકારોને ઝીલીને માનવી કેવી રીતે જીવી જાય છે તેનો ખ્યાલ આવે તેઓ નિરાશા, આળસ, કંટાળાને ત્યાગી ચેતનવંતા બની ઇશ્વરે આપેલ પોતાની આ ચેતનાને સન્નમાર્ગે વાળે. જિંદગીમાં ભૌતક સમૃદ્ધિ જ એક માપદંડ નથી. પરદુઃખે દુઃખી થઇ પરમાર્થ કરવા જેવું બીજું ઉત્તમ કોઇ પૂણ્ય નથી. જિંદગીમાં નિરાશા આવે, અસફળતા મળે, હાથવેંત સિદ્ધિ ચાલી જાય તો પણ આપઘાતના વિચાર કરવાને બદલે, નાસીપાસ થવાને બદલે ઉત્તમ અને પ્રેરક જીવન જીવી ગયેલા ચેતનવંતા લોકોના જીવનમાં ડોકિયું કરી એક નવા જ પરોઢની આશા સેવી જીવવા લાગે તો હું માનું છુંકે આ સાહિત્યના વારસાને મૂકી જવાનો પરિશ્રમ વ્યર્થ નહી જાય.

 

જીવન સંધ્યાના અવસરે આ વારસો જગતના માનવીઓના ચારિત્ર્યનું ઘડતર કરી નૂતન પ્રભાત લાવે તેવી અભ્યર્થના છે. ભવિષ્યમાં ઉત્તમ અંગ્રેજી સાહિત્યના વારસાને ગુજરાતી ભાષાના માધ્યમથી અને ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્ય વારસાને અંગ્રેજી ભાષાના માધ્યમથી આવતી કાલની પેઢી સમક્ષ મૂલ્યવાન કૃતિઓ પ્રસ્તુત કરી સંસ્કાર, સંવેદના અને શિક્ષણને વિશ્વભરમાં જીવંત રાખવાની અભિલાષા છે.

वो भूली दास्ताँ, लो फिर याद आ गई...

ઘર

અચાનક શ્રી અંકિતભાઈ ના લખાણ અને વિડીયો તરફ નજર ગઈ અને મનમાં એક ચમકારો થયો ….. અને પસાર થતા ચિત્રપટની જેમ.. જ્યાં પોણી જિંદગી વિતાવી હતી તે ઘર અને વતન એવા લીંબડીમાં મન આંટો મારી આવ્યું. અંકિતભાઈના લખાણ સાથે અનુસંધાન સાધી તેમની રજાની અપેક્ષા સાથે એક નાનેરો પ્રયત્ન કરું છું. આશા છે કે ‘સ્મરણોની ગલી’માં ફરી આવી મેં આવડે તેવી અણઘડ ભાષામાં મારી લાગણીને અભિવ્યક્ત કરીને લખ્યું છે. ઘર તમે કોને કહો છો?

 

What is Home?

એક ખાલી મકાનને રંગ રોગાન, અફલાતુન ફર્નીચર અને નીતનવી ઘરવખરીથી ભરી દો એટલે એ ઘર બની જાય? ઘર બને છે નાની દીકરીના દોડતા પગની રણઝણતી ઘુઘરીના અવાજથી, ઘર બને છે પતિ પત્નીના મીઠા તકરારથી લઈ સુખ-દુઃખમાં એકબીજાના સાથી બનવાથી, પપ્પાની ટકોરથી લઈ માંના વાત્સલ્યથી રંગ ભરાય છે ઘરમાં…પણ જયારે આ ઘર ખાલી કરવાનું થાય ત્યારે..?……………..”                                                          -/અંકિતભાઈ.

આ ઘર ખાલી કરવાનું થાય ત્યારે..?… કદાચ અસીમ વેદનાનો અનુભવ કર્યો હતો તે યાદ કરું છું ને આંખ ભીની થયા વગર રહેતી નથી. ૨૦૦૯ ની સાલમાં તે ઘર છોડયું. ત્રણ વખત અમેરિકામાં દીકરીના ઘરની મુલાકાત લીધી અને ત્યારપછીથી અમદાવાદ રહુ છું પણ તે વિતાવેલી જિંદગીની તોલે શી ખબર આ જિંદગી આવતી નથી ! તે જિંદગી અનેક અગવડો ભરેલી છતાં કંઈક, અનોખી, અદ્વિતીય, ગોલ્ડન, સુખ-શાંતિનો અહેસાસ કરાવવાળી હતી તે કહેવું અતિશયોક્તિ ભરેલું નથી જ.


આજે જ્યારે લીંબડી જવાનું થાય અને મારા ઘર તરફ રહેવાવાળું કોઈ મળી જાય ને  આવવવાનું કહે તો જવાનું મન નથી થતું. એક વખત દીકરો (નથી યાદ કરવો તો પણ ભીની આંખે યાદ આવી જ જાય છે) અત્યંત આગ્રહ કરીને છોડેલ ઘરે પરાણે લઈ ગયો કારણકે તેનું શૈશવ ત્યાં વીત્યું હતું. તે ઘરની માયા તો દીકરા-દીકરી બંનેને ખૂબ હતી તો મને તો કેવી માયા હશે તેની કલ્પના નહીં આવે ! તે દીવાલો ભલે નિર્જીવ કહેવાતી હશે પણ તે ઘરનો એકે એક ખૂણો અમારા સૌના અસ્તિત્વ સાથે જડાઈ ગયેલો હતો. ઘરે જતાં ધ્રૂસકે ને ધ્રૂસકે હું રડી પડયો. જાણે કે હું તે માને છોડીને આવ્યો હોય ને મળતો ન હોય ! જેમને ઘર વેચ્યું હતું તેને થયું કે આટલી બધી આ ઘર સાથે માયા! પણ તેમને ક્યાંથી ખબર હોય કે આ ઘરમાં મારા માં-બાપે મને રોટલો રળતો જોઈને કેટલા હર્ષના આંસુ પાડયા હતા ! જે જનક પગ પર ઊભો થઈ શકશે કેમ, પરણશે કે કેમ, સંતાનોનો પિતા બનશે કે કેમ તેની જ ચિંતા કર્યા પછી મારા માટે ‘સુખનો સૂરજ’ તે ઘરમાં ઊગ્યો હતો. ભૈરવી-દર્શનનો જન્મ તે ઘરમાં થયો હતો. ભૈરવીનો જન્મ થયો ત્યારે બાએ પેંડા વેચીને હર્ષ બાંટયો હતો તે અનેરો હતો. તે જ ઘરમાં બાને કેન્સર થતાં તે પહેલાં ગયા અને ભાઈ (પિતાજી) તેમના પછી લગભગ વીસ વર્ષ પછી. જે માં-બાપ માટે મારી ચામડીના પગરખા સીવડાવું તો પણ ઓછું પડે તેમને મેં તે ઘરમાંથી અંતિમ વિદાય આપી હતી. એક સમય એવો હતો કે જે બાલમંદિરમાં બા નોકરી કરતાં હતાં તેને ‘લલિતાબેનનું બાલમંદિર’ કહીને લોકો ઓળખતા હતા અને જે બોર્ડિંગમાં ભાઈ નોકરી કરતા હતા તેને ‘બાબુભાઈની બોર્ડિંગ’ના નામે ઓળખતા હતાં. પૂ. ભાઈએ તેમનું મૃત્યુ બોર્ડિંગમાં જ વાંછ્યું હતું.  લલિતાબાની અંતિમ સમયની ઈચ્છા તે હતી કે “મને બાલમંદિરના રસ્તેથી લઈ જજો.” જો કે તે બન્નેની ઇચ્છા બર આવી ન હતી.  પણ પોતે પોતાની મોટભાગની જિંદગી જ્યાં  વિતવી હતી તેના પ્રત્યે કેટલી મમતા અને લગાવ.! ભલે તે સંસ્થાના ડોનર ને નામે મૂળ સંસ્થા હોય. તેમનો પણ એક જમાનો હતો.


હાં .. ઘરની વાત.. સંતાનો મોટાં થતાં ગયા. બાની છાયા ચાલી ગઈ ત્યારે તેમની સ્મૃતિમાં કંઈક કરવું પણ શું કરવું તે સૂઝતું ન હતું. ભાઈ ક્યાંય દાન આપવામાં માનતા ન હતા કે ભોજન આપી દેવામાં માનતા ના હતા. કંઈક એવું કરવું કે બાની યાદ ચિરંજીવી રહે. બાને બાળકો ખૂબ વ્હાલા હતા બાલમંદિર જવા ૧૦ વાગ્યે નીકળે પણ બાલમંદિર ૧૧ પછી પહોંચે. રસ્તે મળતા સૌને બોલાવતા જાય અને રસ્તામાં તેમના ટોળાબંધ બાળકોને તેમની આંગળીએ બાલમંદિર લેતા જાય. બાલમંદિરમાં પણ ભારેખમ શરીરે બાળકો સાથે નાચે, દિલરૂબા વગાડે, ઢોલકની થાપ આપે, હાર્મોનિયમ વગાડતા ગાય .. તો સૌ કોઈ મોંમાં આંગળી નાખી જાય. મોટાબેન માથે હાથ મૂકે પછી જ નાસ્તો ખાવાનો તેવા ધીરજના પાઠ બાળકોને શીખવાડતા જાય. નાસ્તો કર્યા પછી પણ મોટાબેન માથે હાથ મૂકે પછી જ પાણીના માટલે જવાનું અને ડોયાથી જેટલું પાણી જોઈતું હોય તેટલું જ લેવાનું અને વારાફરથી પાણી પીવાનું એવા પાઠ હજી પણ મોટાં થયેલા તે બાળકો યાદ કરે છે કે મોટાં બેને અમને ધીરજના અનોખાં પાઠ ભણાવ્યા હતા. તેમના માતા-પિતા પણ વેકેશન પડે ત્યારે બાને કહે કે બેન જલ્દી બાલમંદિર ખોલો. તમે આ બધાને કેમ સાચવતા હશો? ભારતી પણ આજે ગૌરવથી કહે છે કે હું મારા સાસુના ખોળામાં મોટી થઈ છું.


એે બાને ગળાનું કેન્સર થયું. જે ગળાએ હમેશાં ભજનો, બાળગીતો અને  દેશ પ્રેમના ગીતો ગાયા હતા, સદ્ગત રાજમાતા સાહેબના રચેલા ‘કૃષ્ણ કિર્તન માલા’ના ભક્તિ ગીતો ગાયા હતા તેમજ એક જમાનામાં મેઘાણીજીના ઘર પાસે રહીને તેમનો ‘કસુંબીનો રંગ ..’ ગાયો હતો તે ગળું જ બંધ થઈ ગયું. ૧૧ વર્ષની ઉમરે પગના આંગળથી છાતી સુધીના પ્લાસ્ટરમાં પસાર કરેલ મારા ત્રણ વર્ષ દરમિયાન હાર્યા થાક્યા વગર મારી શુશ્રૂષા સાથે હોસ્પીટલમાં ભજનો ગાઈને મારી વેદનાની દવા કરી હતી. હોસ્પીટલમાં સમયની દવા સ્વરૂપે છકો-મકો, મીયા-ફૂસકી, ટારજન વગેરેની વાતો વંચાવીને મને ખબર ન પડે તેમ સાહિત્યના સંસ્કારો રેડયા હતા તે પ્રભુના દરબારમાં પ્રભુભક્તિ કરવા ચાલ્યા ગયા. તેમની સ્મૃતિમાં કઈંક ચિરંજીવી યાદ રહે તેવું કરવું તેવી અમારી સૌની મહેચ્છા હતી. દાન આપવા માટે ભાઈના સિદ્ધાંતની વિરુદ્ધની વાત હતી. તિથિ ભોજન આપવું તે ચિરંજીવી યાદ ન જ કહેવાય. તે દરમ્યાન શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીએ લીંબડીમાં પુસ્તક પ્રદર્શન રાખ્યું હતું અને તેમને મળતા તેમની ભાવનગરની પ્રવૃતિની વાત જાણી ચિરંજીવી યાદ રહે તેવું કરવું તેવી મહેચ્છાને વેગ મળ્યો. ‘લલિતાબહેન બાળ સંસ્કાર ટ્રસ્ટ’ સ્થાપી તેના ઉપક્રમે લીંબડીના મિહિર થિયેટરમાં એક રૂપિયામાં બાળફિલ્મ બતાવવાનો વિચાર અમલમાં મૂક્યો. બાને બાળકો પ્રિય હતા બાળકોને આનંદ મળે તો બાનો આત્મા કેટલો રાજી થાય ! અને.. પહેલું બાળફિલ્મ ‘જવાબ આયેગા’ બતાવ્યું. ઉદ્ધાટન ખેડાના એક બહાદૂર બાળકને બોલાવીને કર્યું. તેની પરાક્રમ ગાથા બાળકોને સંભળાવી. પ્રથમ ફિલ્મમાં થીયેટર હાઉસફૂલ હતું. વધારાના બાળકો અંદર પગથિયાં પર બેઠા પણ તેમણે આનંદથી ફિલ્મને વધાવી લીધી. દસ દસ મિનિટે તાળીયોનો ગડગડાટ, પોતાની બેઠક પર ઉભા થઈને પ્રવાહમાં જતાં પત્રને ઇંતેજારીથી જોતાં બાળકોને જોઈને જરૂરથી થયું કે મારી બાનો આત્મા ખૂબ રાજી થતો હશે ! ફિલ્મ પૂરું થતાં થીએટરમાંથી બહાર નીકળતા નિર્દોષ બાળકોના ચહેરા પર જે ખુશીનો ભાવ અને આનંદનો આવિર્ભાવ થયેલો જોયો ત્યારે લાગ્યું કે મારી બાને આ ખરી શ્રદ્ધાંજલિ અપાઈ છે. લીંબડીમાં તે એક એવો યુગ આવ્યો હતો  કે બાળકો ‘ચિલડ્રન ફિલ્મ સોસાયટી’ની એક રૂપિયાની જ ફિલ્મ જોતાં. બાળકોના માતા-પિતા હોંશે હોંશે બાળકોને તે ફિલ્મ જોવા મોકલતા, બીજી ફિલ્મ જોવા નહિ અને બીજે મહીને કયું ફિલ્મ બતાવાશે તેની તેમને ઇંતેજારી રહેતી. પ્રાથમિક સ્કૂલ આગળ મારૂં થ્રી વ્હીલર ઉભેલું જોઈને દરેક સમજી જતાં કે બાળ ફિલ્મ આવવાનું લાગે છે અને જનકભાઈ ટીકીટ વેચવા આવ્યા લાગે છે. ગામમાં બે જ થ્રી વ્હીલર હતા. એક મારું અને બીજું શ્રી રૂપસિંહ સાહેબનું.


‘લલિતાબહેન બાળ સંસ્કાર ટ્રસ્ટ’ તો અમે સ્થાપ્યું પણ પૂ. ભાઈની પહેલી શરત એ હતી કે ટ્રસ્ટ માટે કોઈ જ દાન ન સ્વીકારવું. પોતાની કમાણીના સો રૂપીયા કાઢી તેમણે ટ્રસ્ટની નોંધણી કરાવી. બાળ ફિલ્મની આવકમાંથી બાળ પ્રવૃત્તિ કરતાં જે વધે તેમાંથી ટ્રસ્ટ ચલાવવું તેવું સૌએ નક્કી કર્યું. ચાર મહીનાના ચાર ફિલ્મના ચાર રૂપિયા જે આપે તેમને મેમ્બર બનાવી બાલ્કનીની ટિકિટ તેમને ફાળવવવી. ઘરના લીંબડાના ઝાડ નીચે ઓટલો બનવ્યો હતો. ત્યાં દર શનિ-રવિવારે બાળકોને બાળ પુસ્તકો વાંચવા આપવા. મહિને બાળવાર્તાકાર ને બોલાવી જે મેમ્બર થયા હોય તેમને વાર્તા સંભળાવવી. બાળ વાર્તાકાર એવા શ્રી હરિશભાઈ નાયકને પ્રથમ વખત બોલાવ્યા હતા. મેમ્બર થયેલા બાળકો માટે કઠપૂતળીના ખેલ રાખવા. મેમ્બર થયેલા બાળકો માટે એક દિવસનું નાનું પર્યટન ગોઠવવું. મેમ્બર થયેલા બાળકોને જન્મ દિવસે એક પુસ્તક ભેટ આપવું. આજે પણ બે બાળકોના પિતા થયેલ તે બાળક  મને FB પર જૂએ છે ત્યારે નવાઈ તો પામે છે પણ અચૂક કહે છે કે, “સાહેબ, મારા જન્મ દિવસે તમે મને ભેટ આપેલું પુસ્તક હજી મારી પાસે છે અને મારા સંતાનોને વંચાવું છું.” એક શિક્ષક માટે આથી વધુ મોટી ઉપલબ્ધિ કઇ હોય ! મારા માટે આ બધાનું મૂલ્ય હું અમૂલ્ય માનું છું. આ બધું જ બાળફિલ્મની આવક માંથી લગભગ પાંચ વર્ષ ચાલુ રહ્યું. એમ. જે. લાઇબ્રેરી (અમદાવાદ) દરવર્ષે કેટલાક પુસ્તકો જૂના થતાં કાઢી નાખતા તો તે ગ્રંથપાલ શ્રી છગનભાઈ એ લઈ જવાની મંજૂરી આપી. પૂ. ભાઈ પુસ્તકોનું બાઈંડિગ કરે, પૂંઠા ચડાવે અને શનીવારે ઓટલા પર ગોઠવી આપે. આ એક ‘ઓટલો’ તે વખતે કેટલો જીવંત બની જતો તેની કલ્પના કદાચ નહી આવે !


તમને થશે કે આ ‘ઓટલો’ જીવંત ? અંકિતભાઈની વાતના અનુસંધાને કહું તો તે ‘ઓટલો’ જ્યાં જીવંત બાળકો કિલ્લોલ કરતા, તે લીંબડો, તે હિંચકો, તે ઘર, તે ઘરનું માળિયું જ્યાં પુસ્તકો ગોઠવીને રખાતા તે ભલે કદાચ નિર્જીવ હોય પણ તેની સાથેનો સ્નેહસંબંધો જીવંત ચીજોથી કાઈં ઓછાં ન હતા ! એવું તો કેટલુંય આ યાદોના પટારામાં ગોઠવાયેલું છે. આજના યુગના પરિપ્રેક્ષ્યમાં ઘણાં પ્રશ્નો પણ થયા કરે છે. પછીની લીંબડીમાં વિતેલી જિંદગીમાં એવું ઘણું બધું છે પછી ભલે તે નિર્જીવ કહેવાતું હોય પણ મારા જીવન સાથે જડાઈ ગયેલ છે. તે વાતો ભીની આંખે યાદ કરીને લખાશે તો લખીશ.


આટલું બધું લખાશે તેનો ખ્યાલ ન હતો. પણ આંગળીઓ સ્મૃતિની સાથે દોડવા લાગી અને वो भूली दास्ताँ, लो, फिर याद आ गई…. આગળની વાત ફરી કોઈ વાર. પ્રતિભાવની અપેક્ષા સાથે ત્યાં સુધી વિરામ.

પ્રતિષ્ઠિત સાહિત્યકારોની અભિવ્યક્તિ

ઈલા પાઠક

અમદાવાદની શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરતા જનકભાઈનો...

પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

ડૉ. જનકભાઈ શાહનું જીવન સ્વયં એક જીવંત દૃષ્ટાંત છે. એ શારીરિક મર્યાદાઓ સામે હસતા મુખે જંગ ખેલતા રહ્યા...

શ્રી વિપુલ કલ્યાણી

જનકભાઇ શાહ અને ભારતીબેન શાહની ‘જીવતરની સાથે, માણસાઇની વાટે’ નામક આ પુસ્તિકામાં આ નાદને ઘૂંટતા...

શ્રી હર્ષદ ત્રિવેદી

ડૉ. જનકભાઇ શાહ અને શ્રીમતી ભારતીબહેન શાહ જરા જુદી માટીથી ઘડાયેલાં છે. જીવનના કપરામાં કપરા સંજોગોમાં...

જગદીશ બિનીવાલે

ગુજરાતી સાહિત્ય જગતમાં કેટલીક પ્રતિભાઓ એવી છે કે જેમની લેખનક્ષેત્રની વિશેષ પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી...

કૃષ્ણકાંત ઉનડકટ

દિવ્યાંગો માટે જનકભાઇ શાહે તથા શ્રીમતી ભારતીબેન શાહે દિલથી વખાણવુ પડે એવું કામ કર્યું છે. સફળ થવા...

દિનેશભાઇ શાહ

જનકભાઇ તથા ભારતીબેને ‘પરમ તમીપે’ પહોંચવાની વાતની ઊંડી સમજ મેળવીને માનવીના અનેક સ્વરૂપોને...

નીલમ દોશી

જનકભાઇ અને ભારતીબહેને જીવન સામે ઝઝૂમતા, અસામાન્ય સંજોગોમાં જિંદગીને ઝીન્દાદિલીથી લડત આપતા અને સમાજ...

શ્રદ્ધાબેન ત્રિવેદી

સાહિત્યિક મૂલ્ય ધરાવતું તેમનું પ્રદાન વાચકનું જીવનપાથેય બની રહે છે. વિપરીત સંજોગો વચ્ચે પણ માનવ...

જય વસાવડા

ચેતનાનો સાક્ષાત્કાર: કોરોનાકાળમાં જે કરૂણકથાઓ સર્જાઈ, એમાં એક વીજળી પડી શિક્ષક તરીકે સત્વશીલ જીવન...

દેવિકા રાહુલ ધ્રૂવ

શ્રી જનકભાઇ કહે છે તેમ તેમણે આ તમામ  જીવનચરિત્રના અંશો તેમજ તસ્વીરો, સમાચાર પત્રો, સામાયિકો...

શ્રી જસુભાઈ કવિ

ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ પાછલા ઘણા વર્ષોથી આપણને પોતાની ઉદ્ેશપૂર્ણ અને મહેનતકશ કલમના...

Leave a Reply

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp