સાહિત્યિક મૂલ્ય ધરાવતું તેમનું પ્રદાન વાચકનું જીવનપાથેય બની રહે છે. વિપરીત સંજોગો વચ્ચે પણ માનવ કેટકેટલી રીતે સતત પડકારો ઝીલીને ઇશ્વરદત્ત કર્તવ્યનું પાલન કરીને માનવજીવનને સાર્થક કરે છે તે જનકભાઇ તથા ભારતીબહેને અનેક જીવંત વ્યક્તિઓના ચરિત્રો લખીને આપણને તેવાં માનવરત્નોનો પરિચય કરાવ્યો છે એ માટે આ દંપતીની દૃષ્ટિ માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં પણ વિશ્વસમગ્ર પર પડી છે. ને જગતના ખૂણેખાંચરે ચમકતાં એ દિવ્યશક્તિ ધરાવતા હીરાઓને વિશ્વ સમક્ષ મૂકયા છે. આ અર્થમાં અટકે શાહ એવું આ દંપતી ખરેખરતો ઝવેરી દંપતી બની રહ્યું છે.
તેમણે અંધારી અમાસની રાતમાં પણ તેજસ્વી તારલા ચમકાવ્યા છે. અડગ મનના અજબ માનવીની કથાઓ કહી છે. તેમણે કોઇકના દર્દને ઉધાર લેવાની વાત કહી છે. તેમણે હંમેશા હોંસલાંની ઉડાન ભરી છે. જીવતરને માણસાઇથી શોભાવ્યું છે. હૈયે હામ રાખી છે તેથી હરકતોથી ગભરાયા નથી. અજવાળી કેડી પર પગલા પાડી અનોખી મુસાફરી પણ કરી છે. તેમની કરામત તો જુઓ – બંધ પોપચાંમાં તેઓ રંગોળી ભાળે છે. ટૂંકમાં તેઓ સતત સારપનું વાવેતર કરતાં રહ્યા છે. આવું ભવ્ય, રમણીય અને ઉમદા કાર્ય કરતું આ દંપતી – શ્રી જનક શાહ, શ્રીમતી ભારતી શાહ – નિરામય દીર્ઘાયુ પામે, હંમેશ સાત્વિક આનંદ પામે અને અન્યોના જીવનમાં ઉલ્લાસ લાવતાં રહે તેવી શુભેચ્છા અને પ્રભુને પ્રાર્થના.

