ચેતનાનો સાક્ષાત્કાર: કોરોનાકાળમાં જે કરૂણકથાઓ સર્જાઈ, એમાં એક વીજળી પડી શિક્ષક તરીકે સત્વશીલ જીવન ગુજારતા બાપ જનક શાહ પર. એક ફિલ્મ બને એવી લવસ્ટોરીનો સંસાર અધૂરો મૂકીને યુવાન વેબડિઝાઇનર પુત્ર દર્શન શાહે અકાળે અણધારી વિદાય લીધી. ભાંગી પડેલા કુટુંબ ને તૂટી પડેલા બાપે જાતને સધિયારો આપવા મૂંઝવણ અને મુસીબતોનો સામનો કરી, બીજાને મદદ કરવા બેઠા થયેલા ખમીરવંતા ચરિત્રોનું પુસ્તક લખ્યું, જે સ્વર્ગસ્થ પુત્રને અર્પણ કર્યું. કેવી કેવી આકરી આફતો સામે ઝઝૂમીને માણસ ટક્યો ને વિકસ્યો છે, એનો પ્રેરણાનો કુબેરભંડાર છે આ ફર્સ્ડ હેન્ડ રિસર્ચ સાથે રસપ્રદ રીતે લખાયેલા પુસ્તકમાં. જેનાં દેશપરદેશના વાસ્તવિક ચરિત્રોની સંઘર્ષથી સફળતાનું મોટિવેશન છે.

