દિવ્યાંગો માટે જનકભાઇ શાહે તથા શ્રીમતી ભારતીબેન શાહે દિલથી વખાણવુ પડે એવું કામ કર્યું છે. સફળ થવા માટે કોઇ સિદ્ધિ મેળવવા ‘હોંસલા’ ચાહિએ. જનકભાઇ તથા ભારતીબેન દ્વારા રજૂ થતી દિવ્યાંગોની એક એક વાત માત્ર દિવ્યાંગ લોકો માટે જ નહીં, સાજા-નરવા લોકો માટે પણ પ્રેરણાનો ધોધ છે. સ્વસ્થ માણસે એની પાસેથી શીખવું પડે કે રોદણાં રડવાનાં નહીં, તમારી થોડીક અક્ષમતાને અવગણીને અને અતિક્રમીને આગળ વધવાનું નક્કી કરો તો કોઇ પર્વત તમારો માર્ગ રોકી શકે તેમ નથી.
જનકભાઇ શાહ અને શ્રીમતી ભારતીબેન શાહ સમાજને એવો સંદેશો પણ આપે છે કે તમારાથી જે થાય એ અને જેટલું થાય એટલું દિવ્યાંગો માટે કરો. આપણે ઘણી વખત એવું વિચારીને કંઇક સારું કરવાનું માંડી વાળીએ છીએ કે આભ ફાટયું હોય ત્યારે થીગડું મારવાથી શું ફેર પડવાનો છે? આવું વિચારવું એ ભાગેડુવૃત્તિ છે. આપણે ભલે આખા સમાજ માટે કંઇ ન કરી શકીએ પણ થોડાક લોકો માટે તો કંઇક અનોખું કરી જ શકીએ.

